અંતે ગુજરાત ગેસ કંપની ઝૂકી : હાલ પૂરતો એમજીઓ રદનો નિર્ણય મોકૂફ રાખવાની જાહેરાત

ગેસ કંપનીએ પોતાનો નિર્ણય પરત લેતા ઉદ્યોગકારાનું વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યું હોવાની સિરામીક એસોસિએશનની જાહેરાત

મોરબી : મોરબીના સિરામીક ઉદ્યોગને નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની દ્વારા આજે અચાનક જ એમજીઓ લાભ આપવાનું બંધ કરી તમામ ઉદ્યોગ માટે એક સમાન નોન એમજીઓ સિસ્ટમ ચાલુ કરતા રોષે ભરાયેલા સિરામીક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કરતાં અંતે બે કલાકના સમયગાળામા જ કંપનીને ઝુકવું પડ્યું છે અને એમજીઓ રદ્દ કરવાનો નિર્ણય હાલ તુરત મોકૂફ રાખવા જાહેર કર્યું છે.

મોરબીના સિરામીક ઉદ્યોગકારો દૈનિક 75 લાખ યુનિટ જેટલો કુદરતી ગેસનો ઉપયોગ કરે છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને અપાતા ગેસ પુરવઠામાં એમજીઓ અને નોન એમજીઓ બે સિસ્ટમ અમલી બનાવી છે. જેમાં એમજીઓ કરાર મુજબ ગેસ લેનાર ઉદ્યોગને નોન એમજીઓથી પ્રમાણમાં સસ્તો ગેસ આપવામાં આવે છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસનો ભાવ 36 ડોલરથી ઉપર ચાલ્યો જતા ગુજરાત ગેસ કંપની દ્વારા આગામી માસથી ભાવ વધારો કરવા તૈયારી શરૂ કરી હતી જેને બદલે આગામી માસથી સસ્તાભાવે આપવામાં આવતી એમજીઓની સુવિધા જ બંધ કરી નાખવામાં આવતા આજે મોરબીના 100થી 150 જેટલાં ઉદ્યોગકારો ગુજરાત ગેસની ઓફિસે પહોંચી ગયા હતા અને કોઈપણ સંજોગોમાં એમજીઓ સિસ્ટમ બંધ નહિ કરવા માંગ કરી ગાંધી ચીંધ્યા રાહે લડત શરૂ કરી હતી.