જામ ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પિતા-પુત્ર ઈજાગ્રસ્ત

કાર ચાલક નાસી છૂટતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામ ખંભાળિયા : કજુરડા ગામના પાટિયા પાસે મોટરસાયકલ અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક અને તેના નવ વર્ષીય પુત્રને ઇજા પહોંચી હતી.ઈનોવા કાર ચાલક નાસી છૂટતા તેની સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયા-જામનગર હાઈ-વે પર આશરે પંદર કિલોમીટર દૂર આવેલા કજુરડા ગામના પાટિયા પાસેથી જી.જે.10 બી.સી. 5355 નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા અજીતભાઈ ભાયા,તેમના પત્ની આબેદાબેન તથા નવ વર્ષીય પુત્ર અનાન સાથેના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં અજીજભાઈને પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચી હતી અને બાળક અનાનને પણ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં ઈનોવા કારનો ચાલક પોતાની કાર મુકીને નાસી છુટયો હોવાનું જાહેર થયું છે.આ બનાવ અંગે આબેદાબેન અજીજભાઈની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક સામે આઈ.પી.સી.કલમ 279, 337, 338, તથા એમ.વી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.