ખંભાળીયામાં વકીલની ઓફિસમાંથી ક્રિકેટનો સટ્ટો ઝડપાયો

મામલતદાર કચેરી નજીક પોલીસે દરોડો પાડી સટ્ટાનું નેટવર્ક ઝડપી પાડતા ખળભળાટ

ખંભાળિયા : ખંભાળિયા મામલતદાર કચેરીની બાજુમાં આવેલી વકીલની ઓફિસમાં ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે ખંભાળિયા પોલીસે દરોડો પાડી ત્રણેય ઈસમોને રંગે હાથ ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખંભાળિયા પોલીસે ચોક્કસ બાતમીને આધારે મામલતદાર કચેરીની બાજુમાં આવેલ વકીલ તુરૂણભાઇ વિઠ્ઠલાણીની ઓફિસમાં દરોડો પાડતા બેઠક રોડ ઉપર રહેતા તરૂણભાઇ જંયતીલાલ વિઠ્ઠલાણી, ઉત્તમ મેડિકલ પાસે રહેતા શાહબાઝ અનવરભાઇ ભગાડ અને ધરારનગરમાં રહેતા શકિતભાઇ વરજાંગભાઇ જામ ઓસ્ટ્રેલીયામા લાઇવ રમાતી બીગ બેસ ૨૦-૨૦ લીંગ ૨૦૨૧/૨૦૨૨ કિક્રેટ ટુનામેન્ટની મેચમાં પોતાના મોબાઇલ ફોનમાં galaxyexch99.co/m/gan નામની આઇ.ડી. વડે Brisbane heat V/s Hobart Hurricanes વચ્ચે ચાલી રહેલ મેચ ઉપર ઓનલાઇન સોદા લગાવી જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

આ કેસમાં ખંભાળિયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ- ૪-૫ મુજબ ગુન્હો દાખલ કરી રોકડા રૂપિયા 7,700 તથા મોબાઈલ ફોન -3 કિંમત રૂપિયા 15000 મળી કુલ 22,700નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે