ભાણવડના રેટા કાલાવડના યુવાન પાસેથી ચામડાતોડ વ્યાજ વસુલ કરનારા બે વિરુદ્ધ ગુન્હો દાખલ

હપ્તે-હપ્તે પ્લોટ વેચવાનો ધંધો કરનાર યુવાન પાસેથી 10 ટકાથી વધુ વ્યાજ વસૂલી પ્લોટ-ખેતીની જમીન લખાવી લેવાઈ : યુવાને ઝેરી દવા પીતા વ્યાજખોરોનો ભાંડો ફૂટ્યો

ભાણવડ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે રહેતા યુવાનને ધીરધારના લાયસન્સ વગર નાણા આપી ચામડાતોડ વ્યાજ વસુલવાની સાથે પ્લોટ અને ખેતીની જમીનના દસ્તાવેજ કરાવી લેનારા બે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા વ્યાજખોરોનો ભાંડો ફૂટ્યો છે. આ બનાવમાં પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે રહેતા અને સ્કીમમાં પ્લોટ વેચવાનો ધંધો કરતા સુરેશભાઇ ગોવિદભાઇ કારેણા જાતે સગર ઉ.વ. ૩૭એ પોતાના ધંધામાં નાણાંની જરૂરત પડતા રોજીવાડા ગામના વશરામ કેશાભાઇ પાથાર પાસેથી ત્રણ લાખ રૂપિયા 3.5 ટકા માસિક દરે વ્યાજે લીધા હતા. બાદમાં ત્રણેક મહિના બાદ વશરામ કેશાભાઇ પાથારે તાત્કાલિક રૂપિયા પરત આપવા અથવા 10 ટકા માસિક વ્યાજ આપવા દબાણ કરી સુરેશભાઈ પાસેથી ચેક મેળવી સમયાંતરે પ્લોટના દસ્તાવેજ કરાવી કોર્ટમાં કેસ કર્યા હતા.

બાદમાં વશરામ કેશાભાઇ પાથાર દ્વારા પોતાના પરિચિત એવા ભાણવડના મનસુખ સવજી નકુમ પાસેથી મહિને 3.5 ટકા વ્યાજે સુરેશભાઈને 3.50 લાખ અપાવ્યા હતા અને સમય જતા મનસુખ સવજી નકુમે પણ સુરેશભાઈ પાસે 10 ટકા વ્યાજ વસુલવાની શરૂ કર્યું હતું. એ અરસામાં સાડા આઠ લાખથી વધુ રકમ વશરામ પાથરે પડાવી લઈ ત્રાસ આપતા સુરેશભાઈ ગામ મૂકી આંધ્રપ્રદેશ કાકીનાડા ભાગી ગયેલ હતા.

ત્યાર બાદ અલગ અલગ કોર્ટ કેસ કરનાર વ્યાજખોરો દ્વારા કોર્ટમાં મુદતે હાજર ન રહેવા ધમકી આપી એક તરફી કેસ ચલાવવા ત્રાગા રચી ફરિયાદી સુરેશભાઈના નાના ભાઈની આઠ વીઘા ખેતીની જમીન પણ દસ્તાવેજ કરાવી લેતા સુરેશભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવા પ્રયાસ કરતા પોલીસે નિવેદન નોંધતા સમગ્ર વ્યાજખોરીનું ચક્ર સામે આવ્યું હતું.

આ કેસમાં પોલીસે હાલમાં ચામડાતોડ વ્યાજ વસુલ કરનાર વશરામ કેશાભાઇ પાથાર અને મનસુખ સવજી નકુમ વિરુદ્ધ ભાણવડ પોલીસે સુરેશભાઈની ફરિયાદને આધારે આઇપીસી કલમ ૩૮૬,૫૦૬,૧૧૪, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમસને ૨૦૧૧ ની કલમ- ૫, ૪૦ તથા ૪૨ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને આ કેસની વધુ તપાસ પીએસઆઇ નિકુંજભાઈ હિંમતભાઈ જોષી ચલાવી રહ્યા છે.