દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ત્રીજી લહેરને પહોંચી વળવા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ

(કુંજન રાડિયા દ્વારા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે અહીંની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવ ડી.જી.પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા દ્વારા સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, 108, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી. બીજી લહેરના અનુભવોમાંથી આગોતરી તૈયારીથી સજ્જ થઇ ત્રીજી લહેરમાં કોઇ ત્રુટિઓ ન રહે તેમ પ્રભારી મંત્રી મેરજાએ જણાવ્યું હતું.દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા તેમને અનુરોધ કર્યો હતો. આ સાથે લોકોને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ અપીલ કરી હતી.

15 થી 18 વર્ષના બાળકોના રસીકરણની કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતા જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.bજાડેજા, ઈન્ચાર્જ અધિક નિવાસી કલેકટર અને ડીઆરડીએ નિયામક ભાવેશભાઈ ખેર, પોલીસ અધિક્ષક સુનિલ જોષી, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. હરીશ મટાણી, બન્ને પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિત જિલ્લાના વિવિધ સબંધિત અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.