દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીસ શિક્ષકોને કાયમી નિમણૂકના હુકમો થયા

શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની નોંધપાત્ર કામગીરી બદલ સન્માન કરાયું –

(કુંજન રાડિયા દ્વારા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રાન્ટેડ તથા અર્ધ સરકારી શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી ફિક્સ પગારમાં કામ કરતા શિક્ષકોને સામૂહિક રીતે કાયમી નિમણૂક અંગેના હુકમ કરવામાં આવ્યા છે.આ અંગેનો એક કાર્યક્રમ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરની ઉપસ્થિતિ તથા અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વર્ષ 2016માં શિક્ષણ સહાયક તરીકે ભરતી થયેલા શિક્ષક તરીકે પુરા પગારમાં સમાવેશ કરવાનો કાર્યક્રમ અહીંની જી.વી.જે. હાઇસ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ રીતે કાર્યક્રમમાં પૂરા પગારના આદેશ કરી, શિક્ષકોના સન્માન સાથે આદેશ આપવામાં આવે તે અંગેના મુખ્યત્વે હેતુ સાથે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં અન્ય એક મહત્વની બાબત તો એ છે કે જિલ્લાના તમામ માધ્યમિક વિભાગના માન્ય મંડળના હોદેદારો દ્વારા અહીંની જિલ્લા શિક્ષાધિકારી કચેરીની કામગીરીની નોંધ લેવામાં આવી હતી. જેમાં વિશેષ કરીને શિક્ષકોનાં સેવાકીય પડતર પ્રશ્નોના હકારાત્મક અભિગમ અપનાવી, તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને સેવાકીય તમામ લાભો નિયમિત રીતે આપી દેવામાં આવ્યા હતા. જેમાં જી.પી.એફ., હાયર ગ્રેડ, પેન્શન કેસ, વિગેરેના મળવાપાત્ર તમામ લાભો નિયમિત રીતે આપી દેવા અંગેની કામગીરીની નોંધ લઈ, અહીંના જિલ્લા શિક્ષણાઅધિકારી બી.એચ. વાઢેરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે કચેરીનાં શિક્ષણ નિરીક્ષકોનું પણ સન્માન કરવામાં કરાયું હતું.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ સમિતીના ચેરમેન સંજયભાઈ નકુમ, વિમલભાઈ કિરતસાતા, એમ.એ. અન્સારી, ગોપાલભાઈ નકુમ, શૈલેષભાઈ, પંચાયતના સદસ્ય એભાભાઈ, માધ્યમિક શિક્ષક સંઘના તમામ પ્રમુખ તથા મંત્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.આ વચ્ચે મહત્ત્વની બાબત તો એ છે કે આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી હોવા છતાં સો ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ વિશેષ નોંધ લઈ, આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.