કેનેડી ગામના ચિત્રકારનું જાહેર સન્માન કરાયું

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા જાણીતા ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરને તાજેતરમાં તેમની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ બદલ જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા દીપોત્સવી અંકના પ્રથમ પાને કેનેડી ગામના જાણીતા ચિત્રકાર અરવિંદભાઈ ખાણધર દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી 800થી વધારે ચિત્રોની ખાસ નોંધ લેવામાં આવી છે.

આમ, છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકાના ચિત્રકાર અરવિંદભાઈને બિરદાવવા તાજેતરમાં અહીંના સાંસદ પૂનમબેન માડમ, સહદેવસિંહ પબુભા માણેક, વિગેરે દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર ડો. રણમલભાઈ પરમાર દ્વારા આ અંગેની સુંદર રજૂઆત સાથે તેમની કલાને બિરદાવવામાં આવી હતી.