કોરોનાની ત્રીજી લહેર સંદર્ભે ખંભાળિયા જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા પ્રભારીમંત્રી

જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રભારી સચિવ ડી.જી. પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા સાથે ખંભાળિયાની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી મેરજાએ હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, 108, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક જરૂરી બાબતોની આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ઈન્ચાર્જ અધિક નિવાસી કલેકટર અને ડીઆરડીએ નિયામક ભાવેશભાઈ ખેર, પોલીસ અધિક્ષક સુનિલ જોષી, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. હરીશ મટાણી, પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.