દ્વારકા જિલ્લામાં બસસ્ટેન્ડ આજુબાજુના વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર

ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને ઓખાના બસ સ્ટેન્ડની આજુબાજુમાં ખાનગી વાહનો ઉભા રાખવાની મનાઈ ફરમાવતું જાહેરનામું અમલી

જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને ઓખાના એસ.ટી. બસ ડેપો(સ્ટેશન)ની આજૂબાજૂના ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગન, જીપ, મેડાડોર, છકડોરીક્ષા, ટેક્સીકાર અને પ્રાઈવેટ કાર સહિતના વાહનો ઉભા રાખવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામા અન્વયે ખંભાળિયા એસ.ટી. બસ ડેપોથી પશ્વિમ તરફ પોલીસ ઈન્સ્પક્ટરની કચેરી સુધી, દક્ષિણ તરફ બેઠક સુધી અને પૂર્વ તરફ રાજપૂત સમાજવાડી સુધી જ્યારે ભાણવડ એસ.ટી. બસ ડેપોથી આઝાદનગર-સિધ્ધિ વિનાયક પાર્ક, ઉમિયાનગર, પારસનગર અને સિંચાઈ વિભાગની કચેરી સુધીના રસ્તા ઉપર તેમજ દ્વારકાના એસ.ટી. બસ ડેપોથી રાધિકા હોટલ મેઈન ગેઈટથી શારદાપીઠ કોલેજની હોસ્ટેલના મેઈન ગેઈટ સુધી, સર્કિટહાઉસ-ઓખા સુધીના આડા રસ્તા ઉપર અને ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર કમ્પાઉન્ડની દિવાલ સુધીના રસ્તા ઉપર તથા ઓખા બસ ડેપોથી તાલુકા પ્રાથમિક શાળા, શાકમાર્કેટ અને પશ્વિમ બાજૂ રેલ્વે ફાટકથી ગુજરાત ગેસ તરફનો રસ્તો તેમજ રેલ્વે ટ્રેક અને રેલ્વે પાટા પછી આવેલા રામમંદીર સુધીના રસ્તાઓ પર ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગન, જીપ, મેડાડોર, છકડોરીક્ષા, ટેક્સીકાર અને પ્રાઈવેટ કાર સહિતના વાહનો ઉભા રાખવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ જાહેરનામું પાર્કિંગમાં ઉભા રહેતા વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર તેમજ જાહેર જનતાની સુખાકારી અને સુવિધા માટે સરકારી એજન્સીઓ મારફત ચલાવવામાં આવતા તમામ વાહનોને લાગું પડશે નહીં અને આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.