ખંભાળિયામાં જુગારધામ ઉપર પોલીસનો દરોડો: પાંચ મહિલાઓ સહિત આઠ ઝબ્બે

જામ ખંભાળિયા : ખંભાળિયાના ભઠ્ઠી ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે અહીંના પી.એસ.આઈ. તથા સ્ટાફ દ્વારા દરોડા પાડી, આ સ્થળેથી પાંચ મહિલાઓ સહિત આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

ખંભાળિયાના ભઠ્ઠી ચોક વિસ્તારમાં પાણી શેરી ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં ઈમરાન હુસેન ગજણ નામના 24 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી, રમાડતા જુગારના અખાડા પર ગત સાંજે પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્થળે જુગાર રમી રહેલા શાહરૂખ નિયામકભાઈ યુસુબજી, વિજય જેસાભાઈ ચાવડા, મુમતાજ હુસેન સુલતાન ગજણ, મધુબેન રણમલભાઈ ચનાભાઈ, આયસાબેન જુમાભાઈ બાવાભાઈ રુંઝા, રેખાબેન જયંતીલાલ ભવાનભાઈ નાનાણી અને સુમિતાબેન મોહનભાઈ મૂળજીભાઈ સાગઠીયા ગમના કુલ આઠ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ સ્થળેથી પોલીસે કુલ રૂ. 15,300 રોકડા તથા રૂપિયા વીસ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 35,300નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.