ખંભાળિયામાં મકરસંક્રાંતિએ ગાયોને લાડુ ખવડાવવાની પારંપરિક સેવા પ્રવૃત્તિ

500 કિલો ઘઉંનો લોટ, 10 ડબ્બા તેલ, આશરે 25 ડબ્બા જેટલા ગોળનો ઉપયોગ

જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં છેલ્લી આશરે એકાદ સદીથી પરંપરિક રીતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગાયોને તલ, તેલ, ગોળ સાથેના લાડવા બનાવીને ખવડાવવાની સેવા પ્રવૃત્તિ આ વર્ષે પણ આવી રીતે ચાલુ રહી છે.

ખંભાળિયા શહેર તથા આસપાસના જુદા જુદા વિસ્તારોમાં ધણિયાતી તથા નધણિયાતી ગાયોને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લાડુ બનાવીને ખવડાવવામાં આવે છે. શહેરમાં છેલ્લા આશરે એકસો જેટલા વર્ષોથી આવીરત રીતે દાન પુણ્યના પર્વ નિમિત્તે ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે. ઘઉંનો લોટ, તેલ, તલ અને ગોળ નાખી અને આ પૌષ્ટિક લાડુ બનાવવા માટે અહીંના સેવાભાવી કાર્યકરોને ઓઈલ મિલર્સો અને અહીંના વેપારીભાઈઓથી માંડી અને નાના રેંકડીવારાઓ સહિતના તમામનો તન, મન અને ધનથી સહયોગ મળે છે. આ સેવાકાર્ય માટે 500 કિલો ઘઉંનો લોટ, 10 ડબ્બા તેલ, આશરે 25 ડબ્બા જેટલા ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.

સંક્રાંતિ પૂર્વે છેલ્લા એક સપ્તાહથી આ સેવાયજ્ઞ ચાલુ થઈ જાય છે. આ સેવાયજ્ઞમાં હાલ અહીંના જલારામ મંદિર ખાતે ગાયો માટે લાડવા બનાવવામાં આવે છે. આ સેવાકાર્ય માટે વયોવૃદ્ધ પીઠ સેવાભાવી એવા રમણીકભાઈ મોટાણી, હરૂભાઈ દરિયાવાળા, મેહુલભાઈ તન્ના, સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં સહયોગ આપનાર આ તમામ સદગૃહસ્થોનો રમણીકભાઈ મોટાણીએ જાહેર આભાર વ્યક્ત કર્યો છે.