દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના બ્લાસ્ટ: એકસાથે નવા 56 કેસ નોંધાતા ફફડાટ

કોરોના સામે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી અનિવાર્ય

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અવિરત રીતે નવા કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે 10 બાદ ગઈકાલે મંગળવારે 15 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ આજરોજ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના જુદા જુદા ચાર તાલુકાઓમાં કરવામાં આવેલા 1,321 કોરોના ટેસ્ટમાં 56 દર્દીઓ સામે આવ્યા છે. સૌથી વધુ અને ચિંતાજનક 41 નવા કેસ તો ફક્ત દ્વારકા તાલુકામાં નોંધાયા છે. આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ 14 કેસ તેમજ ખંભાળિયા તાલુકામાં એક દર્દી નોંધાયો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. આ વચ્ચે દ્વારકાના 32, ભાણવડના 2 અને ખંભાળિયાના એક મળી, કુલ 35 દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે દોઢ સદી વટાવી ચૂક્યો છે.

કોરોનાની બીજી લહેરમાં પણ આ પ્રકારના ચિંતાજનક અને નોંધપાત્ર કેસ ભાગ્યે જ નોંધાયા છે. ત્યારે આ ત્રીજી લહેરમાં આજરોજ બહાર આવેલા ચિંતાજનક આંકડાને ધ્યાને લઇ અને આરોગ્ય તંત્ર દ્વારા તાકિદે નક્કર કામગીરી કરી અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તતાપૂર્વક પાલન કરાવવામાં આવે તે બાબતોને ઇચ્છનીય ગણવામાં આવી રહી છે.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય તંત્ર પણ સક્રિય બન્યું છે અને વધુમાં વધુ કોન્ટેક્ટ ટ્રેસિંગ તથા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના પગલાં લેવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં કુલ સાત સ્થળોએ પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં કુલ 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પાંચ અર્બન હેલ્થ સેન્ટરોમાં 300 ડોકટરો તથા પેરામેડીકલ સ્ટાફની ટીમના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ 300 બેડ સુધીની સુવિધા પ્રાપ્ય રખાઇ છે. જિલ્લાના 270 ગામોમાં 1,400 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો તથા એક્ટિવ કેસોને ધ્યાને લઇ અને ધન્વંતરી રથ દ્વારા ચેકિંગ તેમજ સર્વેલન્સ માટે 125 થી વધુ ટીમને જિલ્લામાં કાર્યરત બનાવવા માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.