ખંભાળિયામાં રાજપૂત સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્

આઠ ટીમોએ ભાગ લીધો : વિજેતા ટીમને પુરસ્કૃત કરાઈ

  • જામ ખંભાળિયા : ખંભાળિયામાં રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા નજીક સલાયા માર્ગ પર હરીપર વિસ્તારમાં આવેલા એસ.કે. ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી રાજપૂત સમાજના યુવા ક્રિકેટરોની આઠ ટીમો વચ્ચે ક્રિકેટ જંગ ખેલાયો હતો.

    આ મેચના સેમી ફાઈનલમાં મુંગણી, ખંભાળિયા, જામનગર અને ખાવડીની ટીમો વચ્ચે મેચ રમવામાં આવ્યો હતો. જ્યારે ફાઈનલ મેચ રોયલ ખંભાળિયા અને બારાડી જામનગરની ટીમો વચ્ચે યોજાઇ હતી. આ ફાઈનલ મેચમાં રોયલ ખંભાળિયાનો શાનદાર વિજય થયો હતો. આ ટીમના કેપ્ટન પાર્થરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને ઉપસ્થિત સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

    રનર્સ અપ ટીમને ટ્રોફી તથા 11 ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યા હતા. જ્યારે વિજેતા ટીમને અહીંના રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા, સમાજના વર્તમાન પ્રમુખ ચંન્દ્રસિંહ જાડેજાના હસ્તે મેન ઓફ ધ સીરીઝ અને રનર્સ અપ ટીમને ટ્રોફી સાથે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

    આ સમગ્ર આયોજન માટે પાર્થરાજસિંહ ચુડાસમા, જયપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સાથે મયુરસિંહ જાડેજા અને ભરતસિંહ જાડેજા વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.