કોરોના વિસ્ફોટને પગલે કલેકટર દ્વારકા દોડી ગયા

દ્વારકા તાલુકામાં જ 41 નવા કેસથી તંત્રમાં દોડધામ

જામ ખંભાળિયા : કોરોના મહામારીની ત્રીજી લહેર જેવી સ્થિતિમાં છેલ્લા દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાતા જિલ્લા કલેકટર દ્વારકા દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ઓખા મંડળમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે. જેમાં બી.એસ.એફ. વિસ્તારમાં 16 જેટલા કેસો નોંધાતા ઓખા પંથકમાં ભારે દોડધામ પ્રસરી ગઈ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અન્ય તાલુકાઓના સરવાળાથી વધુ નવા કેસ ફક્ત દ્વારકા તાલુકામાં જ નોંધાય છે જે બાબતને તંત્રએ ચિંતાજનક તથા પડકારરૂપ ગણી, ગઈકાલે બુધવારે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયા, ડો. નીરજ ભૂત વિગેરે તેમની ટીમ સાથે દ્વારકા દોડી ગયા હતા.

વધુમાં દ્વારકા તાલુકામાં ડોર-ટુ-ડોર સર્વે સહિતની કામગીરી આ અધિકારીઓએ કરી હતી. દ્વારકા તાલુકાની વણસતી જતી પરિસ્થિતિને ખાળવા માટે આરોગ્ય તથા કલેકટર તંત્રની ટીમ દ્વારા જરુરી મિટિંગનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો. દ્વારકા તાલુકામાં જ 35 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાવી, કલેકટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત પણ કરવામાં આવી હતી. અહીં ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ વધારવા અંગેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.