કલ્યાણપુરના હડમતીયા ગામે ખેતરમાં ઇલેક્ટ્રિક શોટ મૂકી રાખતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ

 

ચણાના વાવેતરને પશુઓ નુકસાન ન કરે તે માટે શેઢા ફરતે મુકાયેલ વીજશોક કાળ બન્યો : પિતાપુત્ર વિરુદ્ધ ફરિયાદ

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે ગત તારીખ 8મી ના રોજ એક પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નિપજતા આ સંદર્ભે આ વિસ્તારમાં એક પિતા-પુત્રની માલિકીની વાડીમાં ઈલેક્ટ્રીક શોટ રાખ્યો હોવાના કારણે આ નિર્દોષ યુવાન તેનો ભોગ બન્યો હોવા અંગેની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે એક આસામીની વાડી પાસેથી મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના રહીશ એવા ગણપત અગેસીંગ પચાવા નામના 18 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાનનો મૃતદેહ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ મળી આવ્યો હતો. જે-તે સમયે સ્થાનિક પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

જે સંદર્ભે પોલીસને મળેલી વિગત મુજબ આ વિસ્તારમાં કાળુભાઈ સુંદરભાઈ તથા તેમના પિતા સુંદરભાઈ નામના પિતા-પુત્રની હડમતીયા ગામે આવેલી વાડીમાં તેઓએ ચણાનું વાવેતર કર્યું હોય, આ વાવેતરને પશુઓ નુકસાન ન કરે તે માટે તેઓએ શેઢા ફરતે ઈલેક્ટ્રીક શોર્ટ મૂકી રાખ્યો હતો. આ શોર્ટ લાગવાના કારણે કોઈપણ માનવી કે પશુનું મૃત્યુ થઇ શકે તેવી સંભાવના હોવા છતાં પણ ઉપરોક્ત પિતા-પુત્રોએ રાખેલા ઈલેક્ટ્રીક શોર્ટનો ભોગ પરપ્રાંતીય શ્રમિક પરિવારના ગણપતભાઈ આદિવાસી (ઉ.વ. 18) નામનો યુવાન બન્યો હતો. ઉપરોક્ત યુવાન વીજ કરંટથી મૃત્યુ પામ્યો હોવાનું ધ્યાને આવતા આરોપી શખ્સો ગણપતભાઈનો મૃતદેહ અન્ય જગ્યાએ મૂકીને નાસી ગયા હતા.

આ સમગ્ર બનાવની જાણ મૃતક યુવાનના માતા નભીબેન અગેસીંગ પચાવા (ઉ.વ. 56, રહે. જોબટ, જી. અલીરાજપુર) ની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાળુભાઈ અને તેમના પિતા સુંદરભાઈ સામે આઈ.પી.સી. કલમ 304, 201 તથા 114 મુજબ ગુનો નોંધી, તેઓની વિધિવત રીતે ધરપકડ કરી હતી. આ પ્રકરણ અંગે આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.