દ્વારકા જિલ્લામાં પતંગોત્સવના આનંદનો ભોગ બન્યા બે ડઝન પક્ષીઓ

ત્રણ પક્ષીઓના કરૂણ મોત: કાર્યકરો દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સેવાઓ અપાઈ

જામ ખંભાળિયા : ઉતરાયણ પર્વે ખંભાળિયા સહિત જિલ્લાભરમાં પતંગ પ્રેમીઓ દ્વારા આકાશમાં પતંગ ઉડાવીને આનંદ લેવામાં આવે છે. જો કે આ પારંપરિક તહેવારોમાં દર વર્ષે અનેક નિર્દોષ પક્ષીઓ પણ ઘાતક રીતે શિકાર બને છે. ગઈકાલે શુક્રવારે ખંભાળિયા ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અનેક પક્ષીઓ પતંગની દોરીની અડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં ત્રણ પક્ષીઓ મોતને શરણ થયા છે.

મકરસંક્રાંતિ નિમિત્તે અહીંના સરકારી વન વિભાગ ઉપરાંત સેવાભાવી યુવા કાર્યકરોના બિલિયન ડ્રીમ્સ ગ્રુપ અને એનિમલ કેર ગ્રુપના કાર્યકરો પશુ-પક્ષીઓ પતંગના દોરાના કારણે ઇજાગ્રસ્ત થાય તો તેની સેવા માટે ખડે પગે હાજર રહ્યા હતા. આ માટે ગઈકાલે શુક્રવારે સંક્રાત પૂર્વે જ તેઓ સક્રીય બની ગયા હતા.

ઉતરાયણ પર્વ દરમ્યાન ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં કુલ 15 કબુતર, 5 બગલા, એક ઘુવડ, એક કુંજ અને એક સિગુલ મળી બે ડઝન જેટલા પક્ષીઓ ઘવાયા હોવાની જાણ સ્થાનિકો દ્વારા ઉપરોક્ત સંસ્થાઓને કરવામાં આવી હતી. જેના અનુસંધાને કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગના કે.કે. પિંડારિયા, પી.બી. કરમુર તેમજ ડ્રીમ્સ ગ્રુપ અને એનિમલ કેર ગ્રુપના કાર્યકરો નિકુંજભાઈ વ્યાસ, હાર્દિકભાઈ જોશી, દેશુરભાઈ ધમા, ઉદયભાઈ ગોપીયાણી સહિતના કાર્યકરો દોડી ગયા હતા અને ઘવાયેલા પક્ષીઓને જરૂરી સારવાર અપાવી હતી.

ઉત્તરાયણના દિવસોમાં ઘવાયેલા પક્ષીઓ પૈકી બે કબૂતર અને એક બગલાનું મૃત્યુ નીપજયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ, મકરસંક્રાંતિના પતંગોત્સવમાં આનંદનો ભોગ અનેક નિર્દોષ પક્ષીઓ બનતા પશુ પ્રેમીઓમાં આઘાતની લાગણી જોવા મળી હતી.