દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના બંબાટ : નવા 41 કેસ

ખંભાળિયામાં એક સામટા 11 કેસ, દ્વારકામાં પણ વ્યાપક સંક્રમણને પગલે નવા 21 કેસ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ પ્રબળ બની કહેર વરસાવી રહ્યો હોય તેમ આજે કોરોનાની ગાડી બંબાટ દોડતા નવા 41 કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધી જ્યાં એકલ – દોકલ કેસ આવતા તેવા ખંભાળિયામાં એક સામટા 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામાં 998 લોકોના ટેસ્ટ કરવામાં આવતા જિલ્લામાં કુલ 41 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં દ્વારકામાં 21, ખંભાળિયામા 11, કલ્યાણપુરમાં 6 અને ભાણવડમાં 3 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

બીજી તરફ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાના 14 અને ખંભાળિયાના 1 દર્દી સહિત કુલ 15 દર્દીઓએ કોરોનાને હરાવતા તમામને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.