કોવીડ ગાઈડ લાઈન મુજબ જગત મંદિર ખુલ્લું રાખો : વેપારીઓ દ્વારા આવેદન

દ્વારકા જગત મંદિર 23મી સુધી બંધ કરાતા વેપારી આગેવાનો અને ભૂદેવોએ પ્રાંત અધિકારીને કરી રજુઆત

( રિશી રૂપારેલીયા દ્વારા )
દ્વારકા : કોરોના મહામારીને પગલે વિશ્વ વિખ્યાત જગત મંદિર એક સપ્તાહ માટે બંધ કરવા નિર્ણય લેવાતા વેપારીઓ અને ભૂદેવોમાં નારાજગી જોવા મળી રહી છે.આજે દ્વારકાના વેપારી અગેવાનો અને ભૂદેવો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જગત મંદિર કોવીડ ગાઇડલાઇન મુજબ ખુલ્લું રાખવા માંગ ઉઠાવી હતી.

વૈશ્વિક મહામારી કોરોનાને પગલે આજથી આઠ દિવસ સુધી રાજાધિરાજ દ્વારકાધીશજીનુ મંદિર બંધ કરતા દ્વારકાના સ્થાનિક વેપારીઓમાં અને ભૂદેવોમાં આ નિર્ણય સામે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. દેશભરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં યાત્રાધામ દ્વારકા આવતા હોય અને અચાનક મંદિરમાં દર્શન બંધ કરાતા દ્વારકાની વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે.

દરમિયાન આજરોજ દ્વારકાના તમામ વેપારી આગેવાનો અને ભૂદેવોએ દેવસ્થાન સમિતિના આ નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી કોવીડના નિયમો અનુસાર જગત મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવા માંગ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.