કેરળથી આવેલા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારીકાધીશના દર્શનથી વંચિત

અચાનક લાદેલા નિર્ણયથી ભાવિકોમાં કચવાટ : હજારો કિલોમીટર દૂરથી આવેલા સિનિયર સીટીજનોએ મંદિરના પગથિયે દર્શન કરી સંતોષ માન્યો

(રિશી રૂપારેલિયા દ્વારા)
દ્વારકા : કોરોના મહામારીએ માથું ઉચકતા ભક્તોની સુખાકારી માટે તંત્ર દ્વારા જગતમંદિર ભક્તો માટે બંધ કરાયું છે. પરંતું તંત્ર દ્વારા અચાનક નિર્ણય કરાતા ભક્તો રોષે ભરાયા છે. અને વિવિધ સંસ્થાઓએ આ નિર્ણયને જાકારો આપ્યો છે.ત્યારે ગઈકાલે હજારો કિલોમીટર દૂર કેરળથી આવેલા 100 જેટલા શ્રદ્ધાળુઓને દ્વારકાધીશના દર્શન ન થતા મંદિરના પગથીયે દર્શન કરી પરત ફરવું પડ્યુ હતું.

કોરોના મહામારીને પગલે દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા અચાનક જ નિર્ણય કરી 17મીથી જગતમંદિરના દ્વારા બંધ કરાયા છે. જોકે આ નિર્ણય અંગે દૂર સુદૂરથી આવતા ભાવિકોને જાણકારી ન હોય લોકોને દ્વારકા પહોંચ્યા બાદ જ ખબર પડતી હોય લોકો નિરાશ થી રહ્યા છે.ગઈકાલે કેરળના ત્રિવેન્દ્રમથી હજારો કિલોમીટર યાત્રા કરી દ્વારકા આવેલા સો જેટલા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારીકાધીશના દર્શનથી વંચિત રહ્યા હતા. આ ભાવિકોમાં મોટાભાગના સિનિયર સીટીઝન હતા અને લોકોએ માત્ર બહારથી મંદિર નિહાળી પગથિયાં પાસે માથું ટેકવી સંતોષ માનવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જગત મંદિરમાં ધ્વજારોહણ માટે અગાઉથી કાર્યક્રમો નકકી થયા હોય છે અને સંખ્યાપણ નકકી હોય છે. ઉપરાંત દ્વારકાધામમાં હોટલ કેટરીંગ વગેરેની પણ વ્યવસ્થા ધ્વજાજી મનોરથીએ અગાઉથી કરી લીધી હોય છે જે મનોરથીઓ તો મંદિર બંધ થવાના આદેશથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે. હાલમાં દ્વારકાની હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી ત્યારે આ નિર્ણયથી પ્રવાસીઓ પર નભતા આખા દ્વારકાના ધંધા રોજગારને હાલ તુરત તો ભારે ફટકો પડ્યો છે.