કોરોનામાં માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ ઉંચો ઢગલો થાય તેટલી ડોલો-650 ખવાઈ ગઈ

તાવમાં રાહત માટે ડોલો-૬૫૦ની ૩૫૦ કરોડ ટૅબ્લેટનું વેચાણ થયું : પેરાસીટામોલનું સૌથી વધુ વેચાણ

દ્વારકા : કોરેનાનાં લક્ષણોમાં તાવ સૌથી આગળ પડતો છે ત્યારે સરકારી કેન્દ્રોમાં અને મોટા ભાગના ડૉક્ટરો દ્વારા પણ એ તાવના ઇલાજ માટે ડોલો-૬૫૦ ટૅબ્લેટ આપવામાં આવતી હતી. કોરોનાકાળ દરમિયાન ડોલો-૬૫૦ની ૩૫૦ કરોડ ટૅબ્લેટનું વેચાણ થયું હોવાનું હાલમાં જ કરાયેલા એક સર્વેમાં જણાઈ આવ્યું છે. જોકે એમ છતાં તાવ હોય ત્યારે લેવાતી ટૅબ્લેટમાં જીએસકેની કાલપોલ પહેલા ક્રમે છે જ્યારે ડોલો-૬૫૦ બીજા ક્રમે અને ક્રૉસિન છઠ્ઠા ક્રમે છે. ૧.૫ સેન્ટિમીટર લાંબી ડોલો-૬૫૦ની ઓવલ શેપની ૩૫૦ કરોડ ટૅબ્લેટ એકની ઉપર એક ગોઠવવામાં આવે તો એની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં પણ ૬ હજારગણી વધી જાય.

આઇઓવીઆઇએ દ્વારા કરાયેલા સર્વેના ડેટામાં જણાઈ આવ્યું હતું કે ૨૦૧૯માં એટલે કે કોવિડ પહેલાં ડોલો-૬૫૦ની ૭.૫ કરોડ સ્ટ્રિપનું વેચાણ થયું હતું. એ પછી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં એની ૧૪.૫ કરોડ સ્ટ્રિપનું વેચાણ થયું હતું. કોરોનાની પહેલી લહેર સપ્ટેમ્બર ૨૦૨૦માં આવી હતી અને બીજી લહેર મે ૨૦૨૧માં આવી હતી. દેશમાં આ બન્ને લહેર દરમ્યાન ૩.૫ કરોડ જેટલા કેસ નોંધાયા હતા. એથી બન્ને વર્ષ દરમિયાન કુલ ૩૫૦ કરોડ કરતાં વધુ ડોલો-૬૫૦ ટૅબ્લેટ વેચાઈ હતી. ૨૦૨૧માં ડોલો-૬૫૦ બીજા નંબરની સૌથી વધુ તાવ માટેની વેચાતી દવા બની ગઈ છે. એનું ૩૦૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું છે,

જ્યારે પહેલા નંબર આવનાર કાલપોલનું ટર્નઓવર એનાથી થોડું જ વધારે ૩૧૦ કરોડ રૂપિયા નોંધાયું છે. તેમ જ ક્રૉસિન ૨૬. ૩ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે છઠ્ઠા ક્રમે રહી છે. ડોલો અને અન્ય તાવની દવાના બેઝિક ડ્રગ પૅરાસિટામોલની બધી જ બ્રાન્ડનું વેચાણ ૨૦૧૯માં ૩૫૦ કરોડ જેટલું હતું. એ ૨૦૧૯ પછી ૭૦ ટકા જેટલું વધી ગયું હતું અને ૨૦૨૧માં એ ૯૨૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું.