ખંભાળિયામાં રઘુવંશી સેવા સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ પરીવારોને કીટ વિતરણ કરાઈ

લંડન સ્થિત દાતા સદ ગૃહસ્થોનો સહયોગ સાંપડ્યો

(કુંજન રાડિયા)જામખંભાળિયા : ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણાત્રા ફાઉન્ડેશન (યુ.કે.) ના હિતેનભાઈ દીનેશચંદ્ર ગણાત્રાના આર્થિક સહયોગથી લોહાણા તેમજ અન્ય જ્ઞાતિના આશરે 200 જરૂરિયાતમંદ પરિવારોને સંક્રાત નિમિતે અનાજની કીટ વિના મૂલ્યે આપવામાં આવી હતી.

જરૂરીયાતમંદ પરીવારોને આપવામાં આવેલી કીટમાં એક કિલો તલ, બે કિલો તેલ, બે કિલો ગોળ, ઉપરાંત મરચાની ભૂકી, મગ, ખાંડ, ચણાની દાળ, ચા, મમરા, સાબુ, સહિતની ચીજવસ્તુઓ કે જેની કુલ કિંમત આશરે રૂપિયા એક હજારથી વધુ હતી, આ કીટ મેળવીને લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી મનુભાઈ કાનાણીના હસ્તે પુ. જલારામ બાપાના આશીર્વાદ લઈને દીપ પ્રાગટય કરવામાં આવ્યું. આ તબક્કે મારુતિનંદન ગ્રુપને પણ ગણાત્રા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાવાજી પરિવારોને કીટ આપવામાં આવી હતી. ઉપરાંત બ્રાહ્મણ પરિવારોને કીટ આપવામાં આવી હતી. સેવાના ભાગરૂપે સલાયામાં પણ બ્રાહ્મણ પરિવારોને તેમજ ફુલેલીયા હનુમાન મંદિરમાં પણ યોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે અનાજની કીટની સેવા, ટીફિનની સેવા તેમજ મેડિકલ કેમ્પ સહિતના અન્ય સામાજિક સેવા કાર્યો પણ કરવામાં આવે છે. આ સંસ્થાના પાયાના પથ્થર કહી શકાય એવા મૂળ ખંભાળિયાના તેમજ હાલ યુ.કે. સ્થિત દિનેશભાઈ વિઠ્ઠલદાસ ગણાત્રાના પુત્ર હિતેનભાઈ ગણાત્રા દ્વારા આ સંપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા મનુભાઈ કાનાણી, અશોકભાઈ દાવડા , મહાજનવાડીની ટીમ તેમજ નિશીલભાઈ કાનાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ તબક્કે જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે દાતાઓ તેમજ વિવિધ સંસ્થાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.