દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 55 કેસ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસો અવિરત રીતે વધતા જોવા મળ્યા છે. જેમાં સૌથી ચિંતાજનક પરિસ્થિતિ દ્વારકા તાલુકાની છે. આજે પણ છેલ્લા 24 કલાક દરમિયાન ફક્ત દ્વારકા તાલુકામાં જ નવા 39 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર માટે આ મુદ્દો પડકારરૂપ બની રહ્યો છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં પણ તેર અને કલ્યાણપુર તાલુકામાં ત્રણ દર્દીઓ નોંધાયા છે. જો કે ભાણવડ તાલુકામાં એક પણ નવો કેસ આજે સામે આવ્યો નથી. એક દિવસમાં જિલ્લામાં 55 નવા કેસ સાથે ભાણવડ તાલુકામાં પાંચ અને દ્વારકા તાલુકામાં ચાર મળી, કુલ નવ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના અંગે કુલ 1,268 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત તો એ છે કે કોરોનાની આ ત્રીજી લહેરમાં નોંધાતા નવા દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના મોટાભાગના બેડ હજુ ખાલી જ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી એકપણ કોવિડ મૃત્યુ નોંધાયું નથી.