ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોર મામલે પાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને નોટિસ

સુઓ-મોટો અંગેની કાર્યવાહી બાદ પ્રાંત અધિકારી દ્વારા ફોજદારી અંગે અલ્ટીમેટમ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનો અવર જવરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત અકસ્માતોના ભય સાથે રખડતાં ઢોરના ત્રાસ સંદર્ભે અગાઉ સુઓ મોટો કાર્યવાહી હાથ ધરાયા બાદ પણ પાલિકા દ્વારા પગલાં ભરવામાં ન આવતા પ્રાંત અધિકારી દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવી છે.અને હુકમ અનાદર બદલ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા જણાવતા ચકચાર જાગી છે.

ખંભાળિયા નગરપાલિકાનું તંત્ર આંતરિક સખળડખળ તથા વિવાદ માટે અગાઉ અવારનવાર વગોવાયેલું રહ્યું છે. શહેરમાં નિયમિત અને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણના મુદ્દે અગાઉના સમયમાં વિપક્ષના વિરોધ પછી પણ નોંધપાત્ર સુધારો થયો નથી. ખાસ કરીને શહેરમાં ગંદકી, રસ્તા ઉપરાંત રસ્તે રખડતા ઢોરના ત્રાસથી નગરજનો ગળે આવી ગયા છે. ત્યારે ખંભાળિયા શહેરના જાહેર માર્ગ પર ધણિયાતા તથા નધણિયાતા ઢોરના બની રહેતા ડેરાતંબુથી વારંવાર અનેક નગરજનો ભોગ બન્યા છે. આવા રસ્તે રખડતા ઢોરની ઢિંકથી વયોવૃદ્ધો ઘાયલ થયાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે.

ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પકડીને દૂર કરવા અંગેની કામગીરી નગરપાલિકા દ્વારા સમય મર્યાદામાં ન કરવામાં આવતા આ અંગે જે-તે સમયે નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરની રજૂઆત પછી અહીંના પ્રાંત અધિકારી દ્વારા તા. 28 ફેબ્રુઆરી- 2021 સુધીમાં શહેરમાંથી ઢોરને દુર કરવાની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી હતી. આ નવી સમય મર્યાદાને પણ એક વર્ષ જેટલો સમય થવા જઈ રહ્યો છે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવી અહીંના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ એક તાકીદ પત્ર પાઠવી, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખને તેમના હુકમનો અનાદર થયો હોવાનું જણાવી આ બાબતને ગંભીરતાપૂર્વક ગણવા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નગરપાલિકાના સત્તાવાહકો સામે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973 ની કલમ 133 હેઠળ કરવામાં આવેલા સંદર્ભવાળા હુકમ મુજબની સંપૂર્ણ અમલવારી અંગે તાત્કાલિક યોગ્ય પ્રત્યુતર પાઠવવા અન્યથા પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું અલ્ટીમેટમ પ્રાંત અધિકારીના આ પત્રમાં આપવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને ફટકારવામાં આવેલા આ તાકીદ પત્રની નકલ અહીંના જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.

શહેરના મહત્વના પ્રશ્નને લાંબા સમય પછી પણ હલ કરવા માટે નિષ્ફળ ગયેલા નગરપાલિકા તંત્રના જવાબદારો સામે ફોજદારી કરવામાં આવશે કે કેમ તે હવે આગામી સમય જ બતાવશે.