હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવા અને ટ્રેનની છત પર મુસાફરી ન કરવા રેલવે તંત્રની અપીલ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : સમગ્ર રાજકોટ ડિવિઝનમાં ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલ્વે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવામાં આવી રહ્યું છે. આના અનુસંધાને રેલ્વે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ રેલ્વે ટ્રેક પરના હાઈ વોલ્ટેજ વીજ વાયર અને તેના ફીટીંગથી દૂર રહે. નહીંતર માનવ જીવનને નુકસાન થઈ શકે છે. આ વાયરોને વાંસની લાકડીઓ અથવા ધાતુની લાકડીઓ વિગેરેથી સ્પર્શ કરવો નહીં અને તેના પર પાણી ઉડાવવું નહીં. રેલવે પાટા પરના વિજ વાયરમાં 25000 વોલ્ટનો કરંટ પાવર પસાર થઈ રહ્યો છે. આથી ટ્રેનની છત પર મુસાફરી કરવી નહીં. આમ કરવું એ સજાપાત્ર ગુનો છે અને તે જીવલેણ બની શકે છે. વિદ્યુતીકરણના કામ સાથે સંકણાયેલા રેલવે કર્મચારીઓને પણ કામ કરતી વખતે તકેદારી રાખવા બાબતની સમજણ આપવામાં આવી રહી છે. જેથી કરીને તેઓને કામ કરતી વખતે ઇજા ન થાય. સાથે જ મુસાફરોમાં પણ આ અંગે જાગૃતિ લાવવા માટે સ્ટેશનો પર ઉદઘોષણા કરવામાં આવી રહી છે.