દ્વારકાના દરિયામાં કરંટ : પાંચ – પાંચ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

હવામાન વિભાગની આગાહી મુજબ તેજ પવન ફૂંકાયો : 4600 પૈકી 2500 બોટ પરત આવી

(રીશી રૂપારેલિયા)
દ્વારકા : હવામાન વિભાગની આગાહી મુજબ આજે તેજ પવન ફૂંકવાની સાથે દ્વારકામાં દરિયો તોફાની બનતા કરંટ વચ્ચે પાંચથી સાત ફૂટ ઉંચા મોજા ઉછળતા દરિયામાં માછીમારી કરવા ગયેલી 4600 પૈકી 2500 બોટ પરત આવી ગઈ હતી.

હવામાન ખાતાની આગાહી મુજબ આજે દ્વારકાના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં મોટા- મોટા મોઝા ઉછળી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અન્વયે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ત્યારે દ્વારકા જીલ્લાની મોટાભાગની બોટો પરત પણ આવી ગઈ છે.

આજે સવારથી જ દ્વારકા જીલ્લામાં સુર્ય નારાયણની સંતાકૂકડી વચ્ચે વાદળ છાયા વાતાવરણ સાથે ભારે પવન ફુંકાયો હતો. અને પવનના કારણે ધૂળની ડમરીઓ સાથે ભડકેશ્વર નજીક દરિયામાં ભારે મોઝા ઉછળતા જોવા મળ્યા હતા. 5થી 7 ફૂટ જેટલા ઊંચા મોઝા ઉછળતા દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.

ફિશરીઝ વિભાગના જણાવ્યા મુજબ જીલ્લાની લગભગ 4600 ફિશીંગ બોટોમાથી 2500જેટલી બોટો દરિયા કાંઠે પરત આવી જવા પામી છે.