દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 67 નવા કોરોના પોઝિટિવ

1036 લોકોના ટેસ્ટ કરતા એકલા દ્વારકામાં જ 38 કેસ નોંધાતા ફફડાટ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાએ તરખાટ મચાવવાનું જારી રાખ્યું છે.આજે આરોગ્ય વિભાગ દ્વારા 1036 લોકોના ટેસ્ટિંગ કરાતા નવા 67 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ગઈકાલે શુક્રવારે જિલ્લામાં 55 નવા કેસ બાદ આજરોજ શનિવારે 67 નવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. દરરોજની જેમ આજે પણ સૌથી વધુ દ્વારકા તાલુકાના અને તે પણ અડધાથી વધુ 38 નવા કેસ છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં પણ 17 દર્દીઓનો ઉમેરો થયો છે. જ્યારે કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં 6-6 નવા કેસ નોંધાયા છે. જોકે દ્વારકાના 28, ભાણવડના 19, ખંભાળિયાના 5 અને કલ્યાણપુરના 3 મળી, 55 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.

કોરોના અંગે આજરોજ આરોગ્યતંત્ર દ્વારા 1,036 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં અગાઉ દ્વારકા જિલ્લાનું સંક્રમણ ઓછું હતું. પરંતુ છેલ્લા દિવસોમાં વધતા જતા નવા કેસથી હવે સાવચેતી સાથે કડક નિયંત્રણો અનિવાર્ય બની ગયા છે.