જય કાળિયા ઠાકર ! કાલથી ભાવિકો માટે જગતમંદિરના દ્વાર પુનઃ ખુલશે

બેટ દ્વારકા મંદિર પણ ખોલવા નિર્ણય : ભાવિકજનો માટે માસ્ક ફરજીયાત, દર્શન સમયે છ ફૂટનું અંતર જાળવવાનું રહેશે

રિશી રૂપરેલીયા દ્વારકા : કોરોના સંક્રમણને પગલે વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા જગત મંદિરના દ્વાર ભક્તજનો માટે તા.17થી બંધ કરાયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની નવી કોરોના ગાઈડલાઈન મુજબ આવતીકાલે તા.24થી ભાવિકો માટે પુનઃ કાળિયા ઠાકરના દર્શન શરૂ થઈ રહ્યા છે. સાથો સાથ બેટ દ્વારકા મંદિર પણ ખોલવા નિર્ણય લેવાયો છે. જો કે, કોરોના મહામારીને પગલે માસ્ક અને દો ગજ દુરીનો નિયમ ફરજીયાત કરાયો છે.

દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા કોરોના સંક્રમણમાં વધારો થતાં ગત તા.17 જાન્યુઆરીથી એક સપ્તાહ માટે મંદિરના દ્વાર ભક્તજનો માટે બંધ કરી ફક્ત પૂજારીને જ સેવપૂજાની છૂટ આપવામાં આવી હતી.દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ આગામી તા.24 એટલે કે આવતીકાલથી જગતમંદિરના પ્રવેશદ્વાર તમામ ભાવિકો માટે ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે બેટ દ્વારકા ખાતે પણ કાલથી દર્શનની છુટ આપવામાં આવી છે.

જગતમંદિરમાં દ્વારકાધીશજીના દર્શન માટે તેમજ બેટ દ્વારકા મંદિર ખાતે ભાવિકજનોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેમજ છ ફૂટનું અંતર જાળવી જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સાત દિવસ માટે જગતમંદિર બંધ રહેતા દૂર સુદૂરથી આવતા અનેક શ્રદ્ધાળુઓને દર્શન વગર જ પરત ફરવું પડ્યું હતું અને સ્થાનિક વેપારીઓ દ્વારા પણ મંદિર બંધ રાખવા વિરોધ કરાયો હતો. જો કે હવે જગતમંદિર ખોલવા નિર્ણય લેવાતા ભાવિકો અને વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.