ખંભાળિયામાં કાલે રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરાશે

(કુંજન રાડિયા દ્વારા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે મંગળવારે રોજ સવારે દસ વાગ્યે “ચાલો ચૂંટણી પ્રકિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા સેવા સદ્દન ખાતે વર્ચ્યુઅલ(ઓનલાઈન) કરવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો દરમ્યાન મળેલા તમામ ફોર્મના હક્ક – દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરીને ચૂંટણી પંચ દ્વારા આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. ઝુંબેશમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં અગાઉ થયેલા કાર્યક્રમોની સરખામણીએ સૌથી વધુ કુલ 33,057 ફોર્મ મળ્યા છે. જેમાં નવા નામ ઉમેરવા માટેના ફોર્મ નં. 6 ના કુલ 18,523 ફોર્મ મળ્યા હતા. જે પૈકી 18 થી 19 વય જૂથમાં 8,817 ફોર્મ મળ્યા છે. જ્યારે જિલ્લામાં નામ કમી કરવા માટેના કુલ 5,619 ફોર્મ નામ મળ્યા છે.

સમગ્ર જિલ્લામાં કુલ 18,523 મતદારોનો ઉમેરો થયો છે. યુવા મતદારોએ ડીઝીટલ માધ્યમથી પણ એન.વી.એસ.પી. અને વોટર પોર્ટલ પર 1,636 જેટલા ફોર્મ ઓનલાઈન ભરાયા હતા. જિલ્લામાં એક હજાર પુરુષ મતદારો સામે સ્ત્રી મતદારોની સંખ્યા 937 હતી જેમા 7 નો વધારો થતા 944 નો જેન્ડર રેશિયો થયો છે. વસ્તીની સામે મતદારો(ઈ.પી. રેશિયો) અગાઉ 69.70 ટકા હતા. જે 1.55 ટકાના વધારા સાથે 71.25 ટકાએ પહોંચ્યા છે. જ્યારે 18 થી 19ના વય જૂથના મતદારો ગયા વર્ષે 0.98 ટકા હતા જે 1.08 ટકા વધીને 2.06 ટકા થયો છે.

દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોવિંદસિંહ રાઠોડના જણાવ્યા મુજબ જિલ્લામાં અત્યારે કુલ 8,28,400 ની વસ્તી છે, જે પૈકી 4,27,154 પુરુષો અને 4,12,050 સ્ત્રીઓ છે, જેમાં કુલ 3,03,579 પુરુષ અને 2,86,632 સ્ત્રી તથા 17 અન્ય મતદારો મળીને કુલ 5,90,228 મતદારો મતદાર યાદીમાં નોંધાયેલા છે.

વધુમાં જિલ્લામાં કુલ 182 ઈ.એલ.સી. કલબ, 399 ચુનાવ પાઠશાળા, 93 વોટર અવેરનેશ ફોરમ, 10 કોલેજના 17 કેમ્પસ એમ્બેસેડર મારફત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચની સુચના મુજબ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પ્રવૃતિઓ/સ્પર્ધામાં શ્રેષ્ઠ કૃતિઓનું જિલ્લા/તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસને તારીખ 25 જાન્યુઆરી રોજ સન્માન કરવામાં આવશે.

જેમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મામલતદાર, સેક્ટર ઓફિસર, બીએલઓ, કેમ્પસ એમ્બેસેડર, મતદાર સાક્ષરતા ક્લબ તથા ચુનાવ પાઠશાળા દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડની જાહેરાત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ હાલમાં કોરોનાની ગાઈડલાઈન ધ્યાનમાં લેતા Twitter પર https://twitter.com/Election_Dwarka અને Facebook પર https://www.facebook.com/dydeodevbhumidwarka લીંક દ્વારા સોશિયલ મીડિયામાં લાઈવ નિહાળવા નાગરીકોને અપીલ કરવામાં આવી છે.