ખંભાળિયામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમ થકી મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય બાલિકા દિવસ (ગર્લ ચાઈલ્ડ ડે)ની ઉજવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી હોસ્પિટલ ખાતે જન્મેલી દિકરીઓને “દિકરી વધામણા કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભાણવડ તાલુકાના નાનાગામમાંથી શાળાકિય સ્પર્ધામાં કુસ્તીની રમતમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ કુ. મોરી કોમલબેનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ડાભી અને દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવના માર્ગદર્શનના હસ્તે લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજનાના અરજી પત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન સ્ટોપ સેન્ટર અને સરકારી હોસ્પિટલના અધિકારીઓ, કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.