દ્વારકાધીશજીના દર્શન ખુલતા જ કોરોના સ્વાહા : માત્ર 7 નવા કેસ

લાંબા સમય બાદ દ્વારકા તાલુકામાં એક પણ કેસ ન નોંધાયો

(રિશી રૂપરેલીયા)દ્વારકા : કોરોના મહામારીની ત્રીજી લહેરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કહેર બનીને ત્રાટકતા દ્વારકાધીશજીનું મંદિર સપ્તાહ માટે બંધ કરાયા બાદ આજે મંદિરના દ્વાર પુનઃ ભાવિકો માટે ખુલતા જ જોગાનુજોગ આજે કોરોના સ્વાહા થયો હોય તેમ આજે સમગ્ર જિલ્લામાં માત્ર 7 નવા કેસ નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લાના ચારેય તાલુકાઓમાંથી 1336 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી કલ્યાણપુરમાં 3 અને ખંભાળિયામાં 4 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે, સૌથી રાહતની વાત એ છે કે, લાંબા સમય બાદ આજે દ્વારકામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

બીજી તરફ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ભાણવડના 4, દ્વારકાના 15, કલ્યાણપુરમાં એક અને ખંભાળિયાના 14 મળી કુલ 34 દર્દીઓએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.