ખંભાળિયામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે આજરોજ મંગળવારે “ચાલો ચૂંટણી પ્રકિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ નો જિલ્લા કક્ષાનો વર્ચ્યુઅલ ઉજવણી સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશભાઈ ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોવિંદસિંહ રાઠોડ અને મતદાર નોંધણી અધિકારી અને ખંભાળિયાના પ્રાંત અધિકારી ડી.વી.ડોબરીયાની ઉપસ્થિતિમાં ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.

આ અંતર્ગત જિલ્લા કલેક્ટર પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતા 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બને તેમ જણાવ્યું હતું. લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે તેમ પણ જિલ્લા કલેકટરએ વધુમાં ઉમેર્યું હતું.

જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત સુગમ કામગીરી કરવા બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોવિંદસિંહ રાઠોડએ પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન અગાઉના કાર્યક્રમોની સરખામણીમાં સૌથી વધુ 33,057 ફોર્મ મળ્યા છે. જ્યારે 18 થી 19 વયજૂથના 8,717 ફોર્મ આવ્યા છે. મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેના કુલ 5,619 ફોર્મ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં કુલ 18,523 મતદારોનો ઉમેરો થયો છે. યુવા મતદારોએ ડીઝીટલ માધ્યમથી પણ એન.વી.એસ.પી. અને વોટર પોર્ટલ પર 1,636 જેટલા ફોર્મ ઓનલાઈન ભરેલા છે તેમ જણાવી જિલ્લામાં એક હજાર પુરુષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા 937 થી વધીને 944 પહોંચી છે. 18 થી 19 વયજૂથના મતદારો 1.08 ટકા વધીને 2.06 ટકાએ પહોંચ્યાં છે તેમ પણ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોના હસ્તે નવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ અને શ્રેષ્ઠ કામગીરી માટે જિલ્લા મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મામલતદાર, સેક્ટર ઓફીસર, બી.એલ.ઓ., કેમ્પસ એમ્બેસેડર, મતદાર સાક્ષરતા ક્લબ અને ચુનાવ પાઠશાળા તેમજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિતે યોજાયેલ સ્પર્ધામાં વિજેતાઓનું વર્ચ્યુઅલ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન ઈ.વી.એમ. અને વી.વી.પેટની માહિતી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. અહીં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

ખંભાળિયા મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.વી. ડોબરીયાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે લાભાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ તથા સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.