દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણનું સંક્રમણ વધતાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા બાદ આ સંક્રમણને અટકાવવા અંગે સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલા નિયંત્રણોની અવધિ કેટલાક ફેરફારો સાથે તા. 29 સુધી લંબાવવામાં આવી છે. જેને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકાના જિલ્લા મેજીસ્ટ્રેટએ સમગ્ર જિલ્લામાં કેટલાક પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામાં અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિ, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારોહ તેમજ ધાર્મિક સ્થળો તથા લગ્ન પ્રસંગએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા અથવા દફનવિધી માટે મહત્તમ 100 વ્યક્તિઓની જ મંજૂરી રહેશે તથા પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ નોન એ.સી. તથા એ.સી. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહાશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ, વાંચનાલયો અને ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ અને મનોરંજક સ્થળો તેમજ ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો-ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક અને ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો મહત્તમ 50 ટકા ક્ષમતાના આધારે ચાલુ રહેશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક અને ભરતી અંગેની પરિક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-સ્પોર્ટ્સ સ્ટેડીયમ તથા સંકુલમાં રમત-ગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર રાખી શકાશે.

આ તમામ પ્રસંગોએ કોરોના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.