ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાનો શૌકતથી ઉજવાશે પ્રજાસત્તાક દિન

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભારતના 73 મા પ્રજાસત્તાક દિનની આવતીકાલે બુધવારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લામાં ઠેર ઠેર ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રજાસતાક દિન નિમિત્તે આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના હસ્તે સવારે નવ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે.

આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીં મ્યુનિસિપલ ગાર્ડન ખાતે બુધવારે સવારે 10 વાગ્યે નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ રાયચુરા (જગુભાઈ) ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. અહીંની સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળાના શૈક્ષણિક સંકુલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે એસેમ્બલી, ધ્વજવંદન તેમજ પુરસ્કાર વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીંની જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત, સહિતની વિવિધ સરકારી કચેરીઓ તેમજ શાળાઓ વિગેરે સ્થળોએ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. હાલ કોરોના મહામારીના કારણે ધ્વજવંદન સિવાયના મોટાભાગના અન્ય ઉજવણીના કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.