દ્વારકાના ચરકલા અને ખંભાળિયાના બારા ગામના બે યુવાન મોરબીમાં ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પીપળી-બેલા રોડ ઉપરથી બે શખ્સોને પાંચ ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડ્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી-બેલા રોડ ઉપરથી ચોક્કસ બાતમીને આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની એવા બે શખ્સોને પાંચ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા બન્ને ગઠિયાઓ લોકોની નજર ચૂકવી મોબાઈલ તફડાવી લેતા હોવાની કબૂલાત આપી હતી.

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. જગદીશભાઇ ડાંગર તથા પો.કોન્સ. પિયુશભાઇ બકુત્રાએ ખાનગી બાતમીને આધારે વોચ ગોઠવી પીપળી-બેલા રોડ ઉપર ચોરાઉ મોબાઈલ ફોન વેચવાની પેરવી કરી રહેલા મૂળ દ્વારકા જિલ્લાના ચરકલા ગામના અને હાલ વિદ્યુતનગર મોરબી ખાતે રહેતા ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર તેમજ ખંભાળિયા તાલુકાના બારા ગામના નાગરાજસિંહ વિજયસિંહ ઉર્ફે મોકાજી જાડેજાને રૂપિયા 18 હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

વધુમાં ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછ કરતા બન્ને ઈસમો દ્વારા લોકોની નજર ચૂકવી મોબાઈલ તફડાવી લઈ બાદમાં વેચી નાખવામાં આવતા હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બન્ને શખ્સને ઝડપી લઈ સીઆરપીસી કલમ 102 મુજબ મોબાઈલ કબ્જે કરી બન્નેની અટકાયત કરવામાં આવી છે.