દેવભૂમિ જિલ્લાના વડામથક ખંભાળિયામાં શાનભેર ઉજવાયો પ્રજાસત્તાક પર્વ

જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજને આપી સલામી : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજરોજ અહીંના જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્રના 73 મા ગણતંત્ર દિવસના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં આવેલા જિલ્લા કક્ષાની ઉજવણી સમારોહમાં અત્રે રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી, પરેડનું નિરીક્ષણ અને માર્ચપાસ્‍ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક સુનિલ જોષી પણ સાથે જોડાયા હતા.

રાષ્‍ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કલેક્ટર પંડ્યાએ જણાવ્‍યું હતું કે, આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના મજબૂત નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અનેક કિર્તિમાનો સ્થાપી, આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ, સાતત્યપૂર્ણ નૈતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન વિકાસના નવતર સોપાનો સર કરી રહ્યા છીએ. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની “ટીમ ગુજરાત” તેજ રફતારથી જનજનનો વિકાસ કરી રહી છે.

જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે-ખૂણાના વિકાસ માટે સરકાર પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે. શિક્ષણ, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, સિંચાઈ અને પીવાના પાણીની સવલતો તથા વંચિતો, વનબંધુઓ અને ગરીબો માટે વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું હોવાનું કહી, વધુમાં ઉમેર્યુ હતું કે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે બાથ ભીડી રહ્યું છે, ત્યારે ભારત દેશે 150 કરોડથી વધુ રસીકરણની ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી કોરોના નાથવાની આ જંગમાં ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

રાજ્યમાં કુલ 4.77 કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ અને 4.36 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18 વર્ષથી ઉપરની ઉંમરના 90 ટકા નાગરીકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. દેશના વેક્શિનેશન ઝુંબેશમાં ઈન્ડીયા ટુડે ગ્રુપ દ્વારા ગુજરાતને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ગરીબ નાગરીકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે એક કરોડથી વધુ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય. “મા” કાર્ડ યોજનાના કાર્ડ અને 34 લાખથી વધુ નાગરીકોને હેલ્થ આઈડી કાર્ડ એનાયત કરાયા છે. મનરેગા યોજના હેઠળ રાજ્યમાં રૂપિયા 128 કરોડના ખર્ચે 17 હજારથી વધુ કામોના ખાતમૂર્હત અને લોકાપર્ણ પણ કરવામાં આવ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં ડાંગ જિલ્લાને સો ટકા પ્રાકૃતિક ખેતી આધારીત જિલ્લો જાહેર કરાયો છે. હરિયાળુ ગજુરાત તો ખુશખુશાલ ખેડુતના સુત્રને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા 3,224 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી ખેડુતોને રૂપિયા 180 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. આમ, દેશમાં વિકાસના રોલ મોડલ ગુજરાતે લોજીસ્ટીક માલસામાનની સરળતાએ હેરફેરની કાર્યક્ષમતાના રીપોર્ટ મુજબ સતત ત્રીજા વર્ષે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવી વધુ એક સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેમ પણ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉપસ્થિતો હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં આરોગ્ય, કોરોના, કરૂણા અભિયાન, કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને અને આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી અને ખાનગી હોસ્પિટલને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના પ્રિકોશન ડોઝ અને આયુર્વેદીક ઉકાળા વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, પ્રાંત અધિકારી ડી.વી. ડોબરીયા, પ્રોબેશનર પોલીસ અધિક્ષક નિધ્ધિ ઠાકુર, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્યો જીતેન્દ્રભાઈ કણઝારીયા, સંજયભાઈ નકુમ, હિતેન્દ્રભાઈ પીંડારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, ઉપરાંત વિવિધ વિભાગના અધિકારી્રીઓ અને કર્મચારીઓ તથા શહેરીજનો, રાષ્‍ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.