વાડીનારના લાંચિયા મહિલા સરપંચ તથા તેના પતિ ચાર દિવસના રિમાન્ડ ઉપર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના મહિલા સરપંચ તથા તેના પતિ દ્વારા આ વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટરને કામ કરવા માટે અડચણરૂપ નહીં થવા બદલ તોતિંગ રકમ ઉપરાંત મોબાઈલ ફોન, ઘરવખરી વિગેરેની માગણી કરવાના ગુના સાથે રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા બાદ આ બંનેને રાજકોટની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા અદાલતે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે એક કંપની વિસ્તારમાં બાઉન્ડ્રી વોલના કામને શાંતિથી કરવા દેવા માટે એક કોન્ટ્રાક્ટર પાસેથી વાડીનારના મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘારના પતિ ડો. અબ્બાસ ઈબ્રાહિમભાઈ સંઘાર દ્વારા રૂપિયા ચાર લાખ રોકડા ઉપરાંત આઈ-ફોન, મોબાઇલ ફોન તથા ઘરવખરીની માંગણી કર્યા બાદ અગાઉ ફરિયાદી આસામી દ્વારા મોટી રકમ, મોબાઈલ ફોન વિગેરે આપી દીધા દેવામાં આવ્યા હતા.

આ પ્રકરણ સંદર્ભે એ.સી.બી. વિભાગને જાણ કરવામાં આવતા ગઈકાલે એ.સી.બી. પોલીસે રાજકોટની એક હોટલ ખાતે છટકું ગોઠવી અને ઉપરોક્ત દંપતીને રૂપિયા દોઢ લાખની રોકડ રકમની લાંચ લેવા સબબ રંગેહાથ ઝડપી લીધા હતા. આના અનુસંધાને રાજકોટ એ.સી.બી. પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર નિયંત્રણ અધિનિયમ એક્ટ મુજબ ડોક્ટર અબ્બાસ સંઘાર (ઉ.વ. 35) તથા તેમના સરપંચ પત્ની હુશેનાબાનુ સંઘાર (ઉ.વ. 30) સામે ગુનો નોંધાયા બાદ આ સંદર્ભે તપાસનીસ અધિકારી જામનગર એકમના પી.આઈ. એ.ડી. પરમાર દ્વારા ઉપરોક્ત દંપતીને રાજકોટની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા રાજકોટની સેશન્સ અદાલતે બંનેના તારીખ 29 મી જાન્યુઆરી સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.