ભાણવડમાં આખલાનો આતંક : વૃદ્ધને ખૂંદી નાખ્યા

આખલાને હડકવા ઉપાડતા ગામ ગાંડુ કરી વૃદ્ધને મિનિટો સુધી ઝપટે ચડાવી શિંગળે ચડાવ્યા : ગંભીર હાલતમાં વૃદ્ધને જામનગર સારવારમાં ખસેડાયા

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે આજે ભાણવડ શહેરમાં હડકાયા બનેલા આખલાએ રીતસરનો આંતક મચાવી એક વૃદ્ધને શિંગળે ચડાવી મિનિટો સુધી ખૂંદી નાખતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા વૃદ્ધને આખલાની ચુંગાલમાંથી છોડાવી સારવાર માટે જામનગર ખસેડવા પડ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આજે એક આખલો હડકાયો થતા ભુરાયો થયો હતો અને સમગ્ર શહેરને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ વચ્ચે આખલાએ મુળજીભાઈ હિરાણી નામના વૃદ્ધને નિશાન બનાવી ખુલ્લી જગ્યામાં ઘેરી લઈ મિનિટો સુધી વૃદ્ધને શિંગળે ચડાવી ખૂંદી નાખ્યા હતા. જો કે, વૃદ્ધને આખલાની ચુંગાલમાંથી છોડાવવા લોકોએ પ્રયાસો કર્યા હતા પરંતુ ખૂંખાર બનેલા આખલા સામે લોકોની કારી ફાવતી ન હતી.

જો કે લોકોએ મહા મુસીબતે આખલાની ચુંગાલમાંથી વૃદ્ધને છોડાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મુળજીભાઈ હિરાણીની તબિયત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાણવડમાં રસ્તે રખડતા આખલાના ત્રાસ મામલે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા આજે આ ગંભીર ઘટના ઘટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.