ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો

103 દર્દીઓ લાભ લીધો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન (હ. પ્રદીપભાઈ તથા અજયભાઈ- મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી વિનામૂલ્યે આંખના નિદાન, સારવાર, દવા વિતરણ તથા નેત્રમણી સહિતના સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ સૌને આવકારી, કેમ્પ વિશે માહિતી આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી અને દાતા પરિવારના સદસ્ય નાથાલાલ બદીયાણીએ દાતા પરિવાર સાથે સંપર્કમાં રહી, કેમ્પનું આયોજન કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ કેમ્પનો લાભ 103 જેટલા દર્દીઓએ લઈ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત 40 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતા લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે જ ઓપરેશનની ક્રમશઃ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડો. વિવેક પરમારે સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના મેનેજર અભિષેક સવજાણી તથા રાહુલ કણજારીયાએ જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પમાં આવેલા દર્દીઓના સ્વાસ્થ્ય ચકાસણી તથા ક્રમશઃ ઓપરેશન કરવા માટે સંસ્થાના સેક્રેટરી મનુભાઈ પાબારી તથા ટ્રસ્ટી સુભાષભાઈ બારોટએ જરૂરી વ્યવસ્થા કરી હતી.