કોરોના સામે જિંદગીનો જંગ હારી જતા ખંભાળિયા ખાણ ખનીજ અધિકારી

ખંભાળિયા : જામનગર સહિત રાજયભરમાં કાળમુખા કોરોનાનો જીવલેણ પંજો દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે અને મોતનો પણ ગોઝારો સીલસીલો અટકવાનું નામ જ ન લેતો હોય તેમ આજે ખંભાળિયા ખાતે ખાણ ખનીજ વિભાગમા ફરજ બનાવતા અને જામનગર રહેતા અધિકારી કોરોના સામે જિંદગીનો જંગ હારી જતા કોવિડ હોસ્પિટલમા આખરી શ્વાસ લીધા હતા.

જામનગરમાં છેલા કેટલાક દિવસથી કોરોના જીવલેણ થઈ રહયો હોય તેમ કોરોનાથી થતા મોત ના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે તેવા સંજોગો વચ્ચે જામનગર સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પાંખના પૂર્વ પ્રમુખ નિરૂપમાંબેન વાગડીયાના પતિ અને ખાણ ખનીજ વિભાગ ખંભાળિયા ખાતે ફરજ પરેશભાઈ હરિશંકરભાઈ વાગડીયા (ઉ.વ.57) ને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ તાજેતરમાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યા બાદ તબિયત નાંદુરસ્ત જણાતા સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સારવાર કારગત ન નિવડતા આજે તેઓએ જીજી કોવિડ હોસ્પિટલ બિછાને દમ તોડ્યો હતો.

કોરોના સામેની લડાઈમાં પરેશભાઈ હરિશંકરભાઈ વાગડીયા જંગ હારી જતા સમસ્ત બ્રહ્મ સમાજ અને સાથી કર્મચારી, અધિકારીગણમા ઘેરા શોકની લાગણી જન્મી છે.