કિશન ભરવાડની હત્યાના સંદર્ભમાં ખંભાળિયા ખાતે વિરોધ સાથે બાઈક રેલી યોજાઈ

માલધારી સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ધંધુકા તાલુકાના કિશનભાઈ ભરવાડ નામના એક ગૌસેવક તથા સામાજિક કાર્યકર ઉપર કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી, તેમની કરપીણ હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાનો ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના માલધારી તથા ભરવાડ સમાજના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી, ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કિશનભાઈ ભરવાડની હિંદુ ધર્મ પ્રત્યેની આસ્થા તેમજ નીડરતા વચ્ચે કેટલાક શખ્સોએ કાવતરું રચી અને તાજેતરમાં તેમના ઉપર જીવલેણ હુમલો કરી અને હત્યા નિપજાવ્યાના બનાવના ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રાક્ષસી કૃત્ય કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજ તથા માલધારી સમાજ દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા અને રેલી સ્વરૂપે અહીંની કલેકટર કચેરી ખાતે જઈ, અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો સામે તાકીદે કડક હાથે કાર્યવાહી કરી અને આવા તત્વોને દાખલારૂપ સજા થાય તે માટેની માંગ સાથે આ અંગેનો કેસ ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચલાવી, કાર્યવાહી કરવા ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં પડદા પાછળ રહેલા શખ્સોને પણ ઝડપી લઇ, ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની લેખિત માંગ કરી હતી.

આ ઉપરાંત સ્વ. કિશન ભરવાડની પ્રતિમા ધંધુકા શહેરમાં મૂકી અને રસ્તાનું નામકરણ પણ તેમના નામથી કરવામાં આવે તેવી માંગ પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.