સુરજકરાડી વિસ્તારમાં દસ વર્ષ પૂર્વે મહિલાના આત્મહત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં દસ વર્ષ પૂર્વે પરિણીતા અને તેણીના પુત્રીના આપઘાત કરી લેવાના બનાવમાં આરોપી સાસરિયાઓને અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા અનવર બોદુભાઈ માકોડા નામના યુવાનના લગ્ન આજથી આશરે વીસેક વર્ષ પૂર્વે રાજકોટ ખાતે રહેતા અલારખાભાઈ ઉર્ફે હકો સુમારભાઈ કોલિયાની પુત્રી રાંભીયા સાથે થયા હતા. તેઓના લગ્નજીવનના નવેક વર્ષના સમયગાળામાં રાંભીયાને તેણીના પતિ, સાસુ, નણંદ, દેર સાથેના સંયુક્ત કુટુંબમાં વસવાટમાં તેણીને તેણીના લગ્નજીવન દરમ્યાન સાસુ ફાતમાબેન, પતિ અનવર, નણંદ મુમતાઝ, દેર અકબર દ્વારા અવારનવાર મેણાં ટોણા મારી, ત્રાસ ગુજારવામાં આવતો હતો.

રાંભીયાબેનને તેણીના લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો થયા હતા. તેણીને પતિ અનવર ઘરખર્ચના પૈસા આપતો ન હોવા ઉપરાંત મારકૂટ કરી, શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતા આ બાબતે કંટાળીને તેણે ગત તારીખ 15-8-2011 ના રોજ સુરજકરાડી ખાતેના તેણીના ઘરે પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી લેતા આ દરમિયાન તેની સાત વર્ષીય પુત્રી શહેનાઝ પણ બાજુમાંથી નીકળવા જતા તેણી પણ દાઝી ગઇ હતી. સળગી રહેલા રાંભીયાબેનને બચાવવા જતા પતિ અનવર પણ દાઝી જતાં તેઓને મીઠાપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું.

આ પછી રાંભીયાબેન તથા તેની દીકરી સારવાર દરમિયાન મૃત્યુ પામતા આ બનાવ સંદર્ભે જે તે સમયે પોલીસે મૃતકના પતિ અનવર બોદુભાઈ, સાસુ ફાતમાબેન, નણંદ મુમતાઝબેન તથા દેર અકબર સામે આઈ.પી.સી. કલમ 306, 498(ક) તથા 114 મુજબ ગુનો નોંધી, કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતાં નામદાર અદાલતે આ અંગેના વિવિધ પુરાવાઓ, કેસના ગુણદોષ, તથા વકીલની વિવિધ દલીલો ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ચુકાદાઓને ધ્યાને લઈ, આરોપી અનવર, ફાતેમાબેન, મુમતાઝબેન તથા અકબરને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે અહીંના સિનિયર એડવોકેટ જીતેન્દ્ર કે. હીંડોચા તથા હર્ષિદા કે. અશાવલા રોકાયા હતા.