ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારો અને સદસ્યોની સંકલન બેઠક યોજાઇ

રૂ. 75 લાખના વિકાસ કાર્યો અંગે આયોજન કરાયું

(કુંજન રાડિયા દ્વારા)
જામખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારો અને સદસ્યોની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં રૂ. 75 લાખના વિકાસ કાર્યો અંગે આયોજન કરાયું હતું.

ખંભાળિયા નગરપાલિકાના હોદેદારો તેમજ સદસ્યોની સંકલન સમિતિની બેઠક પાલિકા સંચાલિત ટાઉનહોલ ખાતે યોજાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખંભાળિયા નગરપાલિકાને સરકાર તરફથી બે તબક્કામાં ફાળવવામાં આવેલા રૂપિયા 75 લાખની ગ્રાંટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવનાર કામ અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

ખંભાળિયા શહેરના અલગ અલગ પ્રવેશદ્વાર નજીક સંતો-મહંતોની પ્રતિમા મુકવા, શહેરમાં જર્જરિત રસ્તાઓના બાકી કામો હાથ ધરવા, પાલિકા સંચાલિત ટાઉન હોલમાં ઘટતી સુવિધાઓ પૂર્ણ કરવા, તેલી નદી પાસે ગાયો માટે વાડાની વ્યવસ્થા કરવા, નગરપાલિકાના યોગ હોલ ખાતે મહિલાઓ માટે જીમ બનાવવા, સહિતના વિકાસ કાર્યો અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.