રસ્તે ચાલવા બાબતે લાલપરડાના યુવાન ઉપર છરી વડે હુમલો

મારી નાખવાની ધમકી સબબ ચાર સામે ગુનો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા દેવશીભાઈ ડોસાભાઈ પિંડારિયા નામના ચાલીસ વર્ષના આહીર યુવાન શનિવારે બપોરે તેમની વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે માર્ગમાં રામ નારણભાઈ પિંડારિયા તથા તેના પુત્ર જયેશે તેમને અટકાવીને કહેલ કે “જમીન માપણીની અરજી કરી કે નહીં?”- તેમ પૂછતા દેવશીભાઈએ કહ્યું હતું કે “હું અરજી કરી આવ્યો છું.” જેથી રામભાઈએ કહેલ કે રસ્તો “તારામાં નીકળશે તો પણ અમે ત્યાંથી જ ચાલીશું. તારાથી થાય તે કરી લેજે.”

જેના જવાબમાં ફરિયાદી દેવશીભાઈએ કહેલ કે “રસ્તો મારામાં હશે તો હું તમને કોઈને હાલવા નહીં દઉં”- તેમ કહેતા સાથે રહેલા જયેશે કહેલ કે “હવે તો તને પહેલા જ પૂરો કરી દેવો પડશે.” તેમ કહી, છરી તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આમ, રસ્તે ચાલવા બાબતે રામ નારણ પિંડારિયા, તેના પુત્ર જયેશ ઉપરાંત સાથે આવેલા દેવશી નારણ પિંડારિયા અને મના વીરા પિંડારિયા નામના ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા છરી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.