વિવાદાસ્પદ તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર ન કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની લોકોને અપીલ

સુલેહ-શાંતિનો ભંગ કરતા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે થયેલી હત્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં પડયા છે. જે સંદર્ભે ઠેર-ઠેર વિવિધ પ્રકારના નિવેદનો તેમજ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી રહી છે.

હાલ સંવેદનશીલ બની રહેલા આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે લોકોને સાવચેત કરતી જાહેર અપીલ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સોશિયલ મીડિયા મારફતે જારી કરવામાં આવેલી એક યાદીમાં જણાવ્યા મુજબ ધંધુકા ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે કેટલાક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તથા કોમી હિંસા ફેલાય તેવા હેતુથી સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકી અને જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરશે અથવા અન્ય પાસે આવા કાર્ય કરાવશે, તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

રાજ્યના છેવાડાનો દેવભૂમિ દ્વારકા જિલ્લો મહદંશે શાંતિપૂર્ણ જિલ્લો બની રહ્યો છે. જેથી આગામી સમયમાં પણ કોઈપણ પ્રકારના કોમી તોફાન કે વિવાદ સર્જાય તે બાબતને પોલીસ દ્વારા ઇચ્છનીય ગણવામાં આવી છે.