દ્વારકામાં પુત્રી જેવી યુવતી પર દુષ્કર્મ આચરી, ગર્ભ રાખી દેનારા ઢગાની ધરપકડ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકામાં રહેતા એક પ્રૌઢ દ્વારા પુત્રી જેટલી ઉંમરની એક યુવતી સાથે દુષ્કર્મ ગુજારી, ગર્ભ રાખી દેવા ઉપરાંત મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસે ધોરણસર ગુનો નોંધી, આ શખ્સની ધરપકડ કરી છે.

આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા દોલુભા રાણાભા માણેક નામના આશરે પંચાવન વર્ષના પ્રૌઢ દ્વારા આજથી આશરે છએક માસ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતી 23 વર્ષની એક યુવતીને ઘરકામ કરવાના બહાને પોતાના ઘરમાં બોલાવી અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, આ આ પછી પણ દોલુભા દ્વારા આ યુવતી પર સમયાંતરે ત્રણેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

પુત્રી જેવડી ઉંમરની યુવતી પર કરવામાં આવેલા દુષ્કર્મને કારણે તેણી સગર્ભા બની હતી. હાલ તેણીને આશરે પાંચેક માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી દોલુભા રાણાભા માણેક દ્વારા તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ભોગ બનનાર યુવતીના માતાની ફરિયાદ પરથી આરોપી શખ્સ સામે આઈ.પી.સી. કલમ 376, 506(2) વિગેરે મુજબ ગુનો નોંધી, પી.આઈ. પી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી.