દ્વારકાની યુવતીને સુત્રાપાડા ખાતે રહેતા સાસરિયાઓ દ્વારા મારી નાખવાની ધમકી

દહેજની માંગણી કરી, ત્રાસ ગુજારતાં પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ગુનો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઓખા મંડળના દ્વારકાની એક મુસ્લિમ પરિવારની યુવતીને સુત્રાપાડા ખાતે રહેતા તેણીના પતિ સહિતના સાસરિયાઓએ દહેજની માંગણી કરી, વિવિધ આક્ષેપો સાથે ત્રાસ ગુજારી અને પહેર્યા કપડે કાઢી મુકવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણ અંગે હાલ દ્વારકામાં રહેતી ખેરુનબેન સોયબ મોહણા નામની પરિણીત યુવતીએ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા સાથે રહેતા તેના પતિ સોયબ સિદ્દીક મોહણા, સાસુ સહેનાઝબાનુ સિદ્દીક, સસરા સિદ્દીક હસન તથા સાહિલ સિદ્દીક મોહણા નામના ચાર સાસરીયાઓ સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ખેરુનબેનને અવતરેલો પુત્ર અગાઉ મૃત્યુ પામ્યો હોવાથી- “તું ડાકણ છે. તું હત્યારી છે”- તેમ કહી અને સાસરિયાઓ દ્વારા મેણાં-ટોણા મારવામાં આવતા હતા. આ ઉપરાંત ઘરકામ બાબતે પણ સાસરિયાઓ દ્વારા તેણીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ સાથે દહેજની માંગણી કરી સાસરીયાઓએ તેણીને પેટ્રોલ છાંટી, મારી નાખવાની ધમકી આપી અને પહેર્યા કપડે કાઢી મૂકતા આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 506 (2), 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.