યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટ અને પંચ કુઈ વિસ્તારમાં બેફામ રેતીચોરી

તાત્કાલીક રેતીચોરી નહી અટકે તો પંચ કુઈના મીઠા જળ ખારા થતા વાર નહિ લાગે

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિરને જોડતા ગોમતી ઘાટ અને પંચ કુઈ વિસ્તારમાં સમુદ્ર કાંઠે આવેલા અતિ પ્રાચીન એવા મીઠા પાણીના કૂવા આસપાસ વિસ્તારમાં બેફામ રેતીચોરી થઈ રહી હોય જાગૃત નાગરિક દ્વારા રેતીચોરી અટકાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ અને સમુદ્રની જોડતા વિસ્તારમાં વર્ષોથી રેતી ચોરી થઈ છે. જેમાં હાલની સ્થિતિએ રેતી ચોરીના કારણે જ્યાં પૌરાણિક મીઠા પાણીના પાંચ કુવા આવેલા છે. જેનું પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે અને જે ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવતા આ કૂવા પાસે રેતીચોરી થવાથી ધર્મના પ્રાચીનતાનું અસ્તિત્વ પર સવાલ ઉભા થયા છે.
અને જો રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો સમયાંતરે મીઠા કુવાનું પાણી પણ ખારું થઇ જતાં વાર નહીં લાગે તેમજ ભારતીય સંસ્કૃતિના વારસા સમાન આ સ્થળ પણ નષ્ટ થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

દ્વારકા શહેરમાં ચાલતા બાંધકામમાં આ રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ખારી રેતી ઉપાડવાનું કાર્ય બંધ કરાવવામાં આવ્યું છે. પરંતુ આમ છતાં પણ ઊંટગાડી દ્વારા રોજ મોટા પ્રમાણમાં રેતીની ખનીજ ચોરી થઈ રહી છે. અને આ ખનીજચોરીથી સરકારને તો નુકસાન થઈ રહ્યું છે સાથે હિન્દુ ધર્મના આસ્થા સમાન આ પંચ કુઈ પણ નષ્ટ થઈ જવાની સ્થિતિમાં હોય તાત્કાલિક રેતીચોરી અટકાવવા માંગ ઉઠવાઈ છે.