દ્વારકાધીશના દર્શન કરી ગુજરાત વિધાનસભા વિજયનો આશાવાદ વ્યક્ત કરતી કોંગ્રેસ

કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને પાલ આંબલીયા સહિતના આગેવાનોની હાજરી

(રિશી રૂપારેલિયા)
આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠન માળખાને મજબૂત બનાવવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે આજે જગતમંદિર દ્વારકા ખાતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી કોંગ્રેસ નેતાગીરીએ આગામી વિધાનસભા જંગ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ઠાકોર આજે મંગળવારે દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા બાદ સંગઠનને મજબુત કરવા અને આવનારી ચૂંટણી અંગે માર્ગદર્શન આપવા દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે અહીંની આહીર સમાજ વાડી મુકામે ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં ખંભાળિયા મતવિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, કિશાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયા, દ્વારકા શહેર કોંગ્રેસ સમિતી પ્રમુખ પરબતભાઈ લગારીયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ તકે કોંગ્રેસ પ્રદેશ નેતાગીરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવવા વિશ્વાસ વ્યક્ત કરી કોંગ્રેસના કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું.