ખંભાળિયામાં ઝાકળ ભીની વધુ એક સવાર: જનજીવન પ્રભાવિત

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં શિતઋતુની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે આજે મંગળવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણમાં આહ્લાદક ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો.

ખંભાળિયા તાલુકામાં આજરોજ વહેલી સવારે પાંચેક વાગ્યાથી ચઢતા પહોરે વાતાવરણમાં ઝાકળ ઉતરી આવી હતી. વહેલી સવારથી મોડે સુધી ધુમ્મસભર્યા વાતાવરણમાં સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. અહીં રસ્તાઓ પર પાણીના ફોરાનું આછું પડ છવાઈ ગયું હતું. આજની આ ગાઢ ધુમ્મસથી વિઝબિલીટી ઓછી થઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ખાસ કરીને હાઈવે પર વધુ પડતી ઝાકળને કારણે આવાગમન પ્રભાવિત બન્યું હતું.

આ વચ્ચે રાત્રે તથા સવારે લાંબો સમય વીજપુરવઠો ખોરવાઈ જતાં નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.