દ્વારકામાં ભારે પવનના કારણે દરિયો ન ખેડવા માછીમારોને આદેશ

દરિયામાં માછીમારી માટે ગયેલ વહાણોને તાત્કાલીક પરત બોલાવી લેવા સૂચના

દ્વારકા : હવામાન વિભાગ,અમદાવાદ તરફથી મળેલ સૂચના અનુસાર ખરાબ હવામાન અને ભારે પવન ફુંકાવાનો હોવાથી દરિયો ન ખેડવા માછીમારોને આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત દરિયામાં માછીમારી માટે ગયેલ વહાણોને તાત્કાલીક પરત બોલાવી લેવા મત્સ્યઉદ્યોગ અધિક્ષકે સૂચના આપી છે.તેમજ નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા માટે ટોકન ઇસ્યુ કરવામાં આવશે નહીં.

દેવભૂમી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રો પરના માછીમારો,બોટ-હોડીના માલીકો,આગેવાનો,મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/એસોશીએશનોના હોદેદારોને મત્સ્યઉદ્યોગ અધિક્ષક દ્વારા જાણવવામાં આવ્યું છે કે હવામાન વિભાગ,અમદાવાદ તરફથી મળેલ સુચના અનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાનો હોય.જે અન્વયે દરિયામાં માછીમારી માટે ગયેલ બોટસને તાત્કાલીક અસરથી પરત બોલાવી લેવા તેમજ નવી સૂચના ન મળે ત્યાં સુધી દેવભુમી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રો પરના કોઈપણ માછીમારી બોટ કે હોડીને દરિયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઈસ્યુ કરવામાં આવશે નહી.આ સમય દરમીયાન કોઈપણ માછીમારોએ પોતાની યાંત્રીક કે બીનયાંત્રીક માછીમારી બોટો કે હોડીઓને દરિયામાં માછીમારી કરવા મોકલવી નહી.હાલમાં દરિયામાં માછીમારી કરી રહેલ તમામ માછીમારી બોટોને તાત્કાલીક ધોરણે પરત બોલાવી ફીશરીઝ ગાર્ડ પાસે બોટની પરત ફર્યાની નોંધ કરાવવી.તેમજ દરીયાના કાંઠા વિસ્તારમાંથી પોતાની બોટ અને અન્ય સાધન સામગ્રીને સુરક્ષીત જગ્યાએ ખસેડી લેવા.જેથી જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય.જેની તમામ માછીમારોએ નોંધ લેવા યાદીમાં જણાવેલ છે.